Friday, November 28, 2008

શોધી રહ્યો છું,

પથ્થરોની કિતાબમાં હું પ્રેમ શોધી રહ્યો છું,
સુકા રણમાં તરસતો હું જળ શોધી રહ્યો છું,

આંખોના અજવાળા પણ ઝાંખા થઇ રહ્યા છે,
જાણે અમાસમાં પણ હવે ચાંદની ને શોધી રહ્યો છું,

સપનામાં તને જોવા હવે દિવસમાં પણ રાત શોધી રહ્યો છું
સાગરની લહેરોની અડફેટમાં હવે મજધાર જઇ ડુબી રહ્યો છું

જીવનની ઝાંખીને સમજવા હવે જાણે તને પણ ખોઇ રહ્યો છું
પથ્થરોની કિતાબમાં હું પ્રેમ શોધી રહ્યો છું,

આમ પ્રેમમા હારતો જીત હવે પોતાને પોતાનામાં શોધી રહ્યો છું,
ખોવાયેલી મારી આ નજરોને મુકી હવે તારી નજરે જોવા જઇ રહ્યો છું
પથ્થરોની કિતાબમાં હું પ્રેમ શોધી રહ્યો છું,

-જીત

Wednesday, November 26, 2008

સાચવું છું.

મળ્યા ઘાવની હું અસર સાચવું છું.
હૃદયમાં બધાની કદર સાચવું છું

છલોછલ થયું છે, આ સ્વપ્નોથી ભીતર,
કૈં સપનાં હવે આંખ પર સાચવું છું.

પ્રથમવાર જોયાં હતાં, જે નજરથી,
હૃદયમાં, હજી એ નજર સાચવું છું.

લગાતાર હું છેતરાયો વસંતે,
ને તેથી, સતત પાનખર સાચવું છું.

સનાતન છે આ દર્દ મારું, એ કારણ,
હજી આંસુઓને ભીતર સાચવું છું.

તમે આમ અધવચ ગયા હાથ છોડી,
છતાં, યાદની હું સફર સાચવું છું.

છે, અકબંધ યાદો તમારી સૌ ખૂણે,
હું ટહુકા વિનાનું એ ઘર સાચવું છું.

-સુનિલ શાહ

Friday, November 21, 2008

નથી હોતી

હું એને પામું છું એની નિશાની જ્યાં નથી હોતી,
નિહાળું છું હું એક તસવીર ને રેખા નથી હોતી!

જીવન પુસ્તક મહીં આ પ્રેમ પણ અંતિમ વચન ક્યાં છે?
બધી દીવાનગીના મૂળમાં લયલા નથી હોતી.

ઘણી બેચેન ગાળું છું હું તુજ ઈતબારની ઘડીઓ,
પ્રણય પણ ક્યાં રહે છે જે પળે શંકા નથી હોતી.

એ મંઝિલ ક્યારની ગૂજરી ગઈ, બેધ્યાન હમરાહી!
હવે ખેંચાણના કારણમાં સુંદરતા નથી હોતી.

તમારી યાદના રંગીન વનની મ્હેંકના સોગંદ,
બહાર આવે છે ઉપવનમાં છતાં શોભા નથી હોતી.

પ્રભુનું પાત્ર કલ્પી લઈને હું આગળ વધારું છું,
વિકસવાની જગા જો મુજ કહાનીમાં નથી હોતી.

કરી સંહારનું સાધન હું અજમાવી લઉં એને,
કદી સર્જનની શક્તિ માંહે જો શ્રધ્ધા નથી હોતી.

હરીન્દ્ર દવે

આંખથી ટપક્યુ

આંખથી ટપક્યુ અવશ, તે આંસુ હોવું જોઇએ,
કૈંક ભીતર દર્દ તો સચવાયું હોવું જોઇએ.

મારો દીવો તારા ઘરને શી રીતે રોશન કરે?
દોસ્ત, સૌનું પોતીકું અજવાળું હોવું જોઇએ

એક માણસ સાદ પાડે સાંભળી સૌ કોઇ શકે,
વિશ્વ આખું એટલું, બસ, નાનું હોવું જોઇએ

મોત સરખું દુઃખ પડે તો કોઇ કંઇ મરતું નથી,
મોત માટે ભાગ્યમાં મરવાનું હોવું જોઇએ

મારે સરનામે મળ્યું છે, મારી વિગત કંઇ નથી,
જિંદગી- પરબીડિયું- બીજાનું હોવું જોઇએ
આજે સૂરજ લાલ લથપથ થઇ બુઝાયો છે, 'રઇશ'.
આજના અંધારનું મોં કાળું હોવું જોઇએ

-રઇશ મનીઆર

Thursday, November 20, 2008

દીવાના અજવાળે

તારા સ્મરણમાં
એકાએક ખોવાઈ ગઈ
અચાનક
મારામાં સૂકાયેલી નદી
બંને કાંઠે
ફાટ ફાટ છલકાતી
ક્યારે
ઊછળતા અતીતના દરિયે
ઓતપ્રોત થઇ ગઇ
તેનું પણ ભાન સાન ન રહ્યું
ટમટમતા દીવાને અજવાળે!
-પ્રીતમ લખાણી

એ કદી સાંભળે નહીં

લહેરે થીજી ગયેલું ઝરણ ખળ ખળે નહીં
શોધું છું કયાંય સૂર્યનું પગલું મળે નહીં

આવી લચે છે આંખમાં સૂરજ ઊગ્યાની વેલ
રાત્રિઓ ઉદાસીની છતાં કયાં ઢળે નહીં

આવા બુરા દિવસ છે તમારા ગયા પછી
બોલ્યા કરુ ને અર્થ કશો નીકળે નહીં

ખોવાયાં છે આપણે કયાં,કેમ શોધશું?
અણસારનો દીવો કોઇ રસ્તે બળે નહીં.

રસ્તો રૂંધીને પાનખરોની તરસ ઊભી
લીલી ભીનાશ પાનમાં પાછી વળે નહીં.

ચીતરેલ વૃક્ષ જેવી મળી છે સભાનતા
ખરતું નથી કશું યે કે કંઇ પણ ફળે નહીં

સૌ પંખીઓ વળી ગયાં પોતાના નીડ ભણી
મારી ઉદાસ સાંજને માળો મળે નહીં

પથ્થરની મુર્તિ એટલા માટે મુકી હશે
કે કોઇ બંદગી એ કદી સાંભળે નહીં

— રમેશ પારેખ

કવિ એક ઢોંગી માણસ છે


કવિ એક ઢોંગી માણસ છે
તે પોતાના અભિનયમાં એટલો પાવરધો છે કે
તે પોતાની વેદનાને પણ બનાવટનાં વાઘાં પહેરાવે છે
અને એ વેદનામાંથી વાસ્ત્વિક પીડા અનુભવે છે.
*
હું કશું પણ નથી
અને હું કદી કંઇક બની પણ ન શકીશ
અને કંઇક બનવાની કલ્પના પણ કરી શકતો નથી
પરંતુ મારા માહ્યાલામાં વિશ્વનાં બધાંજ સ્વપનો તરવરે છે.
*
મારા વાળ ઉપર જ્યાં સુધી મંદ સમીર અનુભવું છું
અને પર્ણો પર આ સૂર્યને ઉજ્જવળ રીતે ચમકતો જોઉં છું
હું વધું કશું માંગીશ નહીં
ભાગ્ય મને વધૂ સારું શું અર્પી શકે છે?
જિવનની આવી અજ્ઞાત ક્ષણોને આહલાદક રીતે ગુજારી આપે
*
મારી પાંસે કોઇ મહત્વકાંક્ષા કે ઈચ્છાઓ નથી
કવિ થવાની પણ મારી ઈચ્છા નથી
એ મારી જિંદગીના એકલવાયા પણાનો એક માર્ગ છે


-ફર્નાંદો પાસો_ ગ્રીક કવિ

Wednesday, November 19, 2008

આરામ

સુરજ એ ચદ્ર ને કહ્યુ , "તુ આવ તો મને આરામ મલે"
ચદ્ર એ અમાસ ને કહ્યુ, "તુ આવ તો મને આરામ મલે"
પ્રુથવી એ પ્રભુ ને કહ્યુ, "માનવી ઉપાડ તો મને આરામ મલે"
માનવી એ માનવી ને કહ્યુ "તુ શાંત થા તો મને આરામ મલે".
હવે તો મારા શ્વાસ એ મૌત ને કહ્યુ "તુ આવ તો મને આરામ મલે"

-નીતા કોટેચા

માણસ ઉર્ફે

માણસ ઉર્ફે રેતી, ઉર્ફે દરિયો, ઉર્ફે ડૂબી જવાની ઘટના ઉર્ફે;
ઘટના એટલે લોહી, એટલે વહેવું એટલે ખૂટી જવાની ઘટના ઉર્ફે…

ખુલ્લી બારી જેવી આંખો ને આંખોમાં દિવસો ઊગે ને આથમતા;
દિવસો મતલબ વેઢા, મતલબ પંખી, મતલબ ઊડી જવાની ઘટના ઉર્ફે…

વજ્જરની છાતી ના પીગળે, આંસું જેવું પાંપણને કૈં અડકે તો પણ;
આંસુ, એમાં શૈશવ, એમાં કૂવો, એમાં કૂદી જવાની ઘટના ઉર્ફે…

પગમાંથી પગલું ફૂટે ને પગલાંમાંથી રસ્તાના કૈં રસ્તા ફૂટે;
રસ્તા અથવા ફૂલો અથવા પથ્થર અથવા ઊગી જવાની ઘટના ઉર્ફે…

ચાલો સૌ આ સંબંધોની વણજારોને બીજે રસ્તે વાળી દઈએ,
સંબંધો શમણાંનાં ઝુમ્મર, ઝુમ્મર યાને ફૂટી જવાની ઘટના ઉર્ફે…

છાતીમાં સૂરજ ઊગ્યાનો દવ સળગે ને સૂરજ તો એક પીળું ગૂમડું,
ગૂમડું પાકે, છાતી પાકે, મહેફિલમાંથી ઊઠી જવાની ઘટના ઉર્ફે…

મૂઠી ભરીને પડછાયાનાં ગામ વસેલાં ને પડછાયા હાલે ચાલે,
પડછાયા તો જાણે ચહેરા, ચહેરા જાણે ભૂલી જવાની ઘટના ઉર્ફે…

- નયન દેસાઈ

હૃદય ટેવાઇ જાયે છે

સમય જાતાં બધું સહેવા હૃદય ટેવાઇ જાયે છે
ગમે તેવું દુઃખી હો, પણ જીવન જીવાઇ જાયે છે.

હૃદયના દર્દની વાતો કદી છાની નથી રહેતી
હૃદય ગભરાય છે ત્યારે નયન ભીંજાઇ જાયે છે.

સમય બદલે તો બદલે, પણ પ્રણય રંગો નહીં બદલે
હૃદય રંગાઇ જાયે છે તો બસ રંગાઇ જાયે છે.

મુસીબતના દહાડા એ કસોટીના દહાડા છે.
છે પાણી કેટલું કોના મહીં જોવાઇ જાયે છે.

જીવન સારું જીગરની આહ થી ફૂંકી દઉં ‘ઘાયલ’
કદીક મારા ઉપર મને ય એવી ખાઇ જાયે છે.

- અમૃત ઘાયલ

સ્વજન-પ્રેમ-લાગણી

મીણબત્તી એટલા માટે કરી કે
હોય અંધારાને પણ કોઈ સ્વજન
પ્રેમથી એણે મને કીધું ઇજન
તોય કાબુમાં રહ્યું આ મન
દરિયો ભલેને માને કે પાણી અપાર છે
એને ખબર નથી કે નદીનું ઉધાર છે
છાતીમાં સળગે ચિતા જેવું તો થઈ પણ શું શકે?
સાવ અળગા થઈ નિરખવાનું ઘણું મુશ્કેલ છે.
લાગણીનો ઢાળ એવો હોય છે
કે પછી અટકવાનું મુશ્કેલ છે

- મુકેશ જોષી

Monday, November 17, 2008

મેં તજી તારી તમન્ના તેનો આ અંજામ છે

મેં તજી તારી તમન્ના તેનો આ અંજામ છે,
કે હવે સાચે જ લાગે છે કે તારું કામ છે.

સ્ખલન બે ત્રણ પ્રસંગોમાં મને પણ છે કબૂલ,
કોણ જાણે કેમ આખી જિંદગી બદનામ છે.

એક વીતેલો પ્રસંગ પાછો ઉજવવો છે ખુદા!
એક પળ માટે વીતેલી જિંદગીનું કામ છે.

આપની સામે ભલે સોદો મફતમાં થઈ ગયો,
આમ જો પૂછો બહુ મોઘાં અમારાં દામ છે.

જિંદગીના રસને પીવામાં જલ્દી કરો ‘મરીઝ’,
એક તો ઓછી મદિરા છે, ને ગળતું જામ છે.

- મરીઝ

Sunday, November 16, 2008

મારી કને તો

મારી કને તો માત્ર આ મારું શરીર છે,
મારા બધાયે શ્વાસ તો જાણે ફકીર છે.

ખાલી આ મારી બહારની હાલતને ના જુઓ,
મારી ભીતરનો આદમી કેવો અમીર છે !

એમાંય પણ દેખાય છે સૃષ્ટિ આખીય તે,
આખું ભલે ન હોય ફળ, એકાદ ચીર છે.

છે કોણ કે બેસી રહ્યું છે રોકી શ્વાસને,
ખળ ખળ નદીનું વ્હેણ જુઓ કેવું સ્થિર છે !

એમાં જુઓ વણતો રહું છું રંગ સૃષ્ટિના,
મારી ગઝલના પોતમાં મારો કબીર છે.

કેવી મઝાથી ઝબકી રહી વીજ આભમાં,
પોતે ખુદાના હાથમાં જાણે લકીર છે !

-હર્ષ બ્રહ્મભટ્ટ

ખુલ્લી કિતાબ છું.

હું છું સવાલ સહેલો,ને અઘરો જવાબ છું;
ને હુ સમય ના હાથની ખુલ્લી કિતાબ છું.

એક યારની ગલી ,બીજી પરવરદિગારની;
ના ત્યાં સફળ હતો,ના અહીં કામિયાબ છું.

પૂછો ના કેમ સાંપડે ગઝલો તણો મિજાઝ;
ફૂલોની મ્હેક છું,અને જૂનો શરાબ છું.

રબ ની દુહાઇ ના દે એ નિગાહબાને-દીન ;
તુજથી વધારે સાફ છું,એહલે-શરાબ છું.

જીવ્યો છું જે મિજાજે,મરવાનો એ રુઆબે,
લાખો રિયાસતો નો બસ એક જ નવાબ છું.

_ ડો.ફિરદૌસ દેખૈયા

Saturday, November 15, 2008

તકદીર ખુદ ખુદાએ લખી પણ ગમી નથી,

તકદીર ખુદ ખુદાએ લખી પણ ગમી નથી,
સારું થયું કે કોઈ મનુજે લખી નથી.

કેવા શુકનમાં પર્વતે આપી હશે વિદાય,
નિજ ઘરથી નીકળી નદી પાછી વળી નથી.

શ્રદ્ધાનો હો વિષય તો પુરાવાની શી જરૂર?
કુરઆનમાં તો ક્યાંય પયમ્બરની સહી નથી.

ડૂબાડી દઈ શકું છું ગળાબૂડ સ્મિતને,
મારી કને તો અશ્રુઓની કંઈ કમી નથી.

મૃત્યુની ઠેસ વાગશે તો શું થશે ‘જલન’,
જીવનની ઠેસની હજુ કળ વળી નથી.

- જલન માતરી

Friday, November 14, 2008

સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી હાંફતી આ જિંદગી





સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી હાંફતી આ જિંદગી
કદીક મધ્યાહ્ને શ્વાસ લેવા મથતી આ જિંદગી


વસંતમાં વૈશાખી વાયરે બળબળતી આ જિંદગી
કદીક પાનખરે વસંત જેમ પાંગરતી આ જિંદગી


શબ્દોની આંટીઘૂંટીમાં શોરબકોર કરતી આ જિંદગી
કદીક ગુલ્મહોરની ડાળીએ ટહુકતી આ જિંદગી


મૂશળધાર વરસાદે ભીઁજાતી,તરસી આ જિંદગી
કદીક મૃગજળે પ્યાસ બૂઝવતી આ જિંદગી


કિનારે આવી મોજાં જેમ અટવાતી આ જિંદગી
કદીક મઝધારે મંઝિલને શોધતી આ જિંદગી


જિંદગી અને મોત વચ્ચે ઝઝુમતી આ જિંદગી
અંતિમ શ્વાસે જિંદગીને પામતી આ જિંદગી

-"પીન્કિ પાઠક"

નદીની રેતમાં રમતું નગર મળે ન મળે

ગુજરાતી સાહિત્ય જગતમાં ગઝલકાર તરીકે એક આગવું સ્થાન ધરાવનાર કવિ શ્રી આદિલ મન્સુરીને શ્રધ્ધાંજલી એમના જ શબ્દોમાં …

નદીની રેતમાં રમતું નગર મળે ન મળે,
ફરી આ દ્રશ્ય સ્મૃતિપટ ઉપર મળે ન મળે.
ભરી લો શ્વાસમાં એની સુગંધનો દરિયો,
પછી આ માટીની ભીની અસર મળે ન મળે.
પરિચેતોને ધરાઈને જોઈ લેવા દો,
આ હસતા ચહેરા; આ મીઠી નજર મળે ન મળે.
ભરી લો આંખમાં રસ્તાઓ, બારીઓ, ભીંતો,
પછી આ શહેર, આ ગલીઓ, આ ઘર મળે ન મળે.
રડી લો આજ સંબંધોને વીંટળાઈ અહીં,
પછી કોઈને કોઈની કબર મળે ન મળે.
વળાવા આવ્યા છે એ ચ્હેરા ફરશે આંખોમાં,
ભલે સફરમાં કોઈ હમસફર મળે ન મળે.
વતનની ધૂળથી માથુ ભરી લઉં ‘આદિલ’,
અરે આ ધૂળ પછી ઉમ્રભર મળે ન મળે

- ‘આદિલ’ મન્સૂરી