Saturday, December 26, 2009

અણબનાવ છે.

અસ્તિત્વ હોય ત્યાં સુધી જ આવજાવ છે,
બાકી, હૃદયને શ્વાસથી તો ક્યાં લગાવ છે ?

જોઈ લે, તારે હાથે મળ્યો એ જ ઘાવ છે,
એમાં છુપાઈ બેઠો એ, તારો સ્વભાવ છે.

વાદળનો વેશ લઈ હજી ઈચ્છાનું આવવું,
સુખ સાથે જિંદગીની સતત ધૂપછાંવ છે.

આખર મને મળી ગયા ફૂલો બધાંયે, પણ
બસ, એક ફૂલનો હજીયે કાં અભાવ છે ?

બોલ્યા કરું છું પણ, નથી ત્યાં પહોંચતું કશું,
પડઘાને સાદ સાથે કશો અણબનાવ છે.

-સુનીલ શાહ

Thursday, December 24, 2009

જુઓ કે પથ્થરોમાં

જુઓ કે પથ્થરોમાં શિલ્પ કોતરાયું છે ,
તમે ગયા છો , તમારાથી ક્યાં જવાયું છે ?

હું મારા વક્ષમાં વરસાદ જેમ આવ્યો છું ,
હોઠમાં ગીતનું ખાબોચિયું ભરાયું છે .

પતંગિયાથી છવાઈ ગઈ છે ટેકરીઓ ,
પડે સવાર એ રીતે હસી પડાયું છે .

બની છે આજ તો શણગાર મારો અમરેલી,
કર્યું તેં વ્હાલ તો સુંદર બની જવાયું છે .

ચાલ ચરણોને પંખીઓ બની જવા દઈએ ,
એક આકાશ છે , જે ઘાસમાં છવાયું છે.

- રમેશ પારેખ

પરિચિત છું

પરિચિત છું છતાંયે દૂર ખૂણામાં ઉભેલો છું,
મને શું ઓળખે લોકો સમય વીતી ચુકેલો છું.

તિરસ્કારો અભિમાની ગણીને યોગ્ય એ ક્યાં છે?
મનાવી લેશો હું તોય ગણતરીથી રૂઠેલો છું.

ના કોઈ નોંધ ના ઉલ્લેખ મારો થાય કિસ્મત છે,
મુગટની જેમ ક્યારેક મસ્તકે હું પણ રહેલો છું.

ઉપેક્ષાઓ જમાનાની સહી હસતે મુખે ‘અબ્બાસ’,
રહ્યું છે શીશ અણનમ પણ કમરથી તો ઝુકેલો છું.

– ગુલામ અબ્બાસ ‘નાશાદ’