Tuesday, December 30, 2008

ઓ હ્રદય

ઓ હ્રદય, તેં પણ ભલા કેવો ફસાવ્યો છે મને ?
જે નથી મારાં બન્યાં, એનો બનાવ્યો છે મને !

સાથ આપો ક્એ ન આપો એ ખુશી છે આપની,
આપનો ઉપકાર, મારગ તો બતાવ્યો છે મને.

સાવ સહેલું છે, તમે પણ એ રીતે ભૂલી શકો,
કે તમારા પ્રેમમાં મેં તો ભુલાવ્યો છે મને.

મારા દુઃખના કાળમાં એને કરું છું યાદ હું,
મારા સુખના કાળમાં જેણે હસાવ્યો છે મને.

હોત દરિયો તો હું તરવાનીય તક પામી શકત,
શું કરું કે ઝાંઝાવાંઓએ ડુબાવ્યો છે મને.

કાંઇ નહોતું એ છતાં સૌઉ મને લૂંટી ગયા,
કાંઇ નહોતું એટલે મેં પણ લૂંટાવ્યો છે મને.

એ બધાંનાં નામ દઇ મારે નથી થાવું ખરાબ,
સારાં સારાં માનવીઓએ સતાવ્યો છે મને.

તાપ મારો જીરવી શકતાં નથી એ પણ હવે,
લઇ હરીફોની મદદ જેણે જલાવ્યો છે મને.

છે હવે એ સૌને મારો ઘાટ ઘડવાની ફિકર,
શુદ્ધ સોના જેમ જેઓએ તપાવ્યો છે મને.

આમ તો હાલત અમારા બેયની સરખી જ છે,
મેં ગુમાવ્યાં એમ એણે પણ ગુમાવ્યો છે મને.

આ રીતે સમતોલ તો કેવળ ખુદા રાખી શકે,
ભાર માથા પર મૂક્યો છે ને નમાવ્યો છે મને.

સાકી, જોજે હું નશામાં ગમને ભૂલી જાઉં નહિ,
એ જ તો આ તારા મયખાનામાં લાવ્યો છે મને.

આપ સાચા અર્થમાં છો મારે માટે તો વસંત,
જ્યારે જ્યારે આપ આવ્યાં છો, ખિલાવ્યો છે મને.

આ બધા ‘બેફામ’ જે આજે રડે છે મોત પર,
એ બધાંએ જિંદગી આખી રડાવ્યો છે મને.

- ‘બેફામ’ , બરકત વીરાણી

Sunday, December 28, 2008

મનગમતું

એક તમારું નામ બહું ગમે છે અમને,
વારં-વાર ઘુંટવું બહું ગમે છે અમને.

સામે હો તો કહી નથી સકતાં પણ્,
તમને મળવાનું બહું ગમે છે અમને.

નજર ભરીને આંખોમાં સમાવી લઉં,
તમારાં સપનાંઓ બહું ગમે છે અમને.

હોઠ થર-થરીને રહી જાય છે કાયમ,
તમારી વાતો કરવાનું બહુ ગમે છે અમને.

તમે તો અમારાં દિલમાં કાયમ રહો છો,
તમારાંમાં કાયમ રહેવું બહું ગમે છે અમને.

-સ્નેહા- અક્ષિતારક

મુક્તકો


કશું ના દઈ શકે તો દોસ્ત, ખાલી હાથ ઊંચા કર,
મને જે જોઈએ છે તે મળી જાશે દુઆમાંથી.
બધાયે સ્વાર્થમાં એક જ હિસાબ લાગે છે,
ન આપે સુખ તો ખુદા પણ ખરાબ લાગે છે !
-બેફામ
****************************************
મંઝિલ બનીને આવ ન રહેબર બનીને આવ
મુઝ માર્ગમાં ભલે ન તું સહચર બનીને આવ
કિન્તુ મને ન છોડ અટુલો પ્રવાસમાં
કાંઇ નહીં તો છેવટે ઠોકર બનીને આવ
-બેફામ
*******************************************
જે વસ્તુ મળી જાય તે મિલકત થાયે
દુર્લભ જે બની જાય તે હસરત થાયે
બન્નેને સમાવીને જે આવે દિલમાં
એને જો પિછાણો તો મહોબત થાયે
-બેફામ
******************************************
જયારે તું આવ મિલનકાજ,સરિતા થાજે
શોકમાં સાથી બની જા,તો મુદિતા થાજે
કિન્તુ આવે જો સમય મુજથી જુદા થાવાનો
તો બીજું કાંઇ નહીં, માત્ર કવિતા થાજે
-બેફામ
*******************************************
હતી કંઇ પ્યાસ એવી હરપળે બસ દોડતો રાખ્યો,
પછાડ્યો રેતીએ તો મૃગજળે બસ દોડતો રાખ્યો;
ઘણા સત્યો બની સાંકળ ચરણ જકડીને બેઠા'તા,
ઋણી છું એનો જે મોહક છળે બસ દોડતો રાખ્યો.

—રઇશ મણીઆર

Friday, December 26, 2008

કલ્પના

ઘણી વેળા વિચારું છું, વિચારોને વિકાસ આપું,
કવિ છું તો જરા જગને પરિવર્તનનો પાસ આપું.

પ્રથમ તો આ આભધરતીના તફાવતને મિટાવી દઉં,
કે ફૂલોને ઉજાસ આપું, સિતારાને સુવાસ આપું.

સૂરજ ઉગવા છતાં અંધકારમાં જીવન વીતે છે જ્યાં,
બધાયે એવા દિવસોને હું રાતોની અમાસ આપું.

જુએ છે જે ઉષાના આગમનની વાટ સંધ્યાથી,
હું એના દિપકોને સૂર્યકિરણોનો ઉજાસ આપું.
ભટકવાનું મૂકાવી સૌની પાછળ ભ્રમને ભટકાવું,
કે રણનાં ઝાંઝવાં લઇ લઉં ને એને સૌની પ્યાસ આપું.

સનાતન શોધના હું ફેરવી નાખું બધાં રસ્તા,
બધી વણઝાર અટકાવીને મંઝિલને પ્રવાસ આપું.
સિંચી તદબીરથી તકદીરનાં હું બીજ વાવી દઉં,
મળે માટી મહીં તો પણ ફળે એવા પ્રયાસ આપું.

મજા જે લઇ રહ્યો છે પાપની એ સર્વ જીવોને,
પડે રસ એટલે હું પુણ્યકર્મોનો વિલાસ આપું.

ચીરીને દંભના પરદા હું ઢાંકું નગ્ન સત્યોને,
લૂંટી લઉં લાજ દાનાની, દીવાનાને લિબાસ આપું.

ઉતારી આભને નીચે હું ઘર બાંધું બધાં માટે,
ધરા પર રોજનાં રઝળી પડેલાને નિવાસ આપું.

જગતમાં જીવનારાને હું જન્નતની હવા બક્ષું,
કબરમાં ગૂંગળાતા સર્વ મુરદાને ય શ્વાસ આપું.

ખુદાની સર્વવ્યાપકતા લઇને ગુપ્ત થઇ જાઉં,
અને એકાંત મારા ઘરમાં એને મારો વાસ આપું.

દુ:ખોની વેદનાથી જે કદી ઊંઘી નથી શક્તા,
સદાયે મારા સુખના સ્વપ્નમાં એને સમાસ આપું.

પરંતુ સ્વપ્નમાં સચ્ચાઇનું ગૌરવ નથી હોતું,
કવિની કલ્પનાના હાથમાં વાસ્તવ નથી હોતું.

-બરકત વિરાણી ‘બેફામ’

નહોતી

ગલતફહેમી ન કરજે, ઐશ માટે મયકશી નહોતી;
મને પણ શેખ! તારી જેમ આ દુનિયા ગમી નહોતી.

ખબર શું કે ખુદા પણ જન્મ આપી છેતરી લેશે?
જીવ્યો ત્યારે જ જાણ્યું કે એ સાચી જિંદગી નહોતી.

નથી એ દોષ તારો કે મળ્યાં છે, ઝાંઝવા, સાકી!
પીવા હું ત્યાં ગયો કે જ્યાં ઘટા કોઈ ચડી નહોતી.

બહુ કપરા દિવસ વીત્યા હતા તારી જુદાઈમાં;
કે નહોતી રાત જુલ્ફોની વદનની ચાંદની નહોતી!

મિલનની ઝંખના તો જો! કે તારી શોધ કરવામાં,
લીધી છે રાહ એવી પણ કે જે તારી ગલી નહોતી!

વિતાવી મેં વિરહની રાત એનાં સ્વપ્ન જોઈને;
કરું શું? મારી પાસે એક પણ એની છબી નહોતી.

મહોબ્બતમાં કશું ફળ ના મળ્યું; નિર્દોષતા તો જો!
રહી એ એવી જન્નત જ્યાં દખલ શયતાનની નહોતી.

હતી એક મુફલિસી પણ દોસ્ત, પડદામાં મહોબ્બતનાં,
હતાં ફાટેલ વસ્ત્રો, એ ફક્ત દીવાનગી નહોતી.

જે મારા પર દયા કરતા હતા, નહોતી ખબર એને,
કે એક અલ્લાહ વિના મારે જગતમાં કંઈ કમી નહોતી.

ન દો ઉપચારકોને દોષ મારા મોતને માટે,
એ કુરબાની હતી મારી, એ મારી માંદગી નહોતી.

રડ્યા ‘બેફામ’ સૌ મારા મરણ પર એ જ કારણથી,
હતો મારો જ એ અવસર ને મારી હાજરી નહોતી.

–બરકત વીરાણી ‘બેફામ’

Tuesday, December 23, 2008

આ તે કેવી જીત?

આ તે કેવી જીત?
થંભી ગયેલું ગીત !
થીજી ગયેલું સ્મિત !….આ તે કેવી જીત?

હજારો ની ભીડ માં પણ,
નરી એકલતા, શુન્યતા !
ખોવાઈ ગયેલ કોઈ મીત !….આ તે કેવી જીત ?

ચારે કોર ભાસતો અંધકાર,
રાત નું એકાંત રૂદન,
જાણે કોઇની ભીત !….આ તે કેવી જીત ?

શાંત પણ કંઇક કહેતું મન,
વિરહ માં તડપતું મન,
આ તે કેવી પ્રીત !…..આ તે કેવી જીત ?

એક તરફ આકાશ વિશાળ,
પણ નમતો એ ધરા પર,
કુદરત ની આ તે કેવી રીત !….આ તે કેવી જીત ?

-રઝિયા મિર્ઝા

ક્ષિતિજ ને પેલે પાર જવું

ક્ષિતિજ ને પેલે પાર જવું ,
મારે વાદળ પર થઇ સવાર…
ધરતી ગગન નો જોવો છે મારે એકાકાર.
મારે વાદળ પર થઇ સવાર… ક્ષિતિજ ને પેલે પાર …
ધરતી, ગગન સાગર ,ગિરિમાળા,
કુદરત નો જ્યાં અખૂટ ભંડાર,
મારે વાદળ પર થઇ સવાર… ક્ષિતિજ ને પેલે પાર …
ગિરિમાળા ની પાછળ ઓલો,
સુર્ય ભાસે ગોળાકાર,
મારે વાદળ પર થઇ સવાર… ક્ષિતિજ ને પેલે પાર…,
સૂરજ જ્યાંથી જગ માં આવે,
સાત અશ્વો પર થઇ સવાર,
મારે વાદળ પર થઇ સવાર… ક્ષિતિજ ને પેલે પાર …
સાગર જ્યાંથી હિલોળા લેતો,
નિત નવા સજી શણગાર,
મારે વાદળ પર થઇ સવાર… ક્ષિતિજ ને પેલે પાર …
ઉષા-સંધ્યા ના કિરણો આવે,
જોવો છે એવો દ્વાર,
મારે વાદળ પર થઇ સવાર… ક્ષિતિજ ને પેલે પાર …
ઓ વાદળ તું લઇ જા મુજને,
પગ માં થયો થનકાર,
મારે વાદળ પર થઇ સવાર… ક્ષિતિજ ને પેલે પાર …

-રઝિયા મિર્ઝા

કેટલા હસમુખ હતા

કેટલા હસમુખ હતા ને કેવા દીવાના હતા,
આપણે જ્યારે જીવન માં એકબીજાના હતા

મંદીરો ને મસ્જીદો મા જીવ ક્યાંથી લાગશે,
રસ્તે રસ્તે જ્યા સફર માં એના મયખાના હતા

આપને એ યાદ આવે તો મને યાદ આપજો,
મારે શું કેહવુ હતુ, શું આપ કેહવાના હતા

કેટલુ સમજાવશે એ લોકને તું પણ “આદિલ”
તારા પોતાના તને ક્યાથી સમજવાના હતા

- આદિલ મન્સુરી

Friday, December 19, 2008

જાય છે

જૂની સ્મૃતિઓ એ રીતે વીસરાઈ જાય છે
વસતાં નવું નગર, વનો વ્હેરાઈ જાય છે

નાના ઘસરકાઓની છે એક જ વિશેષતા,
કે મોટા ઘા ની નીચે એ ઢંકાઈ જાય છે

મારગ ભૂલેલ ને ય જો રસ્તો કોઇ પૂછે
એનાથી ક્યાંક આંગળી ચીધાઈ જાય છે

ક્યારેક સીધી સાદી સરળ વાત હોય પણ
ચિંતક ના હાથમાં ચડી ચૂંથાઈ જાય છે

ચાદર સફેદ અંતે મળે સૌને,એમાં તો
જીવન આ રૂ ના ઢગ સમું કંતાઈ જાય છે

રણને સીમિત રાખવું મુશ્કેલ છે “રઈશ”
રેતીનો છે સ્વભાવ કે પથરાઈ જાય છે

-રઈશ મનીઆર

Thursday, December 18, 2008

તેમ નથી

પ્રેમ છે અનહદ પણ તને, બતાવી શકુ તેમ નથી
પ્રેમિકાને પામવા, મિત્ર ગુમાવી શકુ તેમ નથી

તારા સાથ વડે જ જીવન બન્યુ છે જીવવાલાયક
તારા સાથને મરીને પણ ભુલાવી શકુ તેમ નથી

તારા માટે બન્યા હશે, અનેક મહેલ અને મીનારા
આ ગરીબની ઝુંપડીમાં તને લાવી શકુ તેમ નથી

પગમાં મારા પડી છે થાકની બેડીઓ વર્ષોથી
તને મળવા તેથીજ કદી આવી શકુ તેમ નથી

તને પ્રભુએ કદાચ, મારા માટે જ બનાવી છે
હું છતાં તને જીવનમાં સમાવી શકુ તેમ નથી

‘રાજીવ’ની જીંદગી પાનખરનૂ પાન બની ગઇ
તેને હવે વૃક્ પરથી જરા હલાવી શકુ તેમ નથી

- રાજીવ

Wednesday, December 17, 2008

હતું રંગીન કયારેક જે, હવે શ્વેત -શ્યામ બની ગયું

હતું રંગીન કયારેક જે, હવે શ્વેત -શ્યામ બની ગયું,
સપનું મારું, આ રાહ પર, એકલ મુસાફર બની ગયું !

હતું ગઝલ કયારેક જે, હવે શબ્દોનુ મોહતાજ બની ગયું,
સપનું મારું, આ કાગળ પર, ચાર અક્ષર બની ગયું!

હતું ફસલ કયારેક જે, હવે ખેતરનું નિંદામણ બની ગયું,
સપનું મારું, આ વેલ પર, વાંઝિયો વિચાર બની ગયું!

હતું વ્હેણ કયારેક જે, હવે પથરાળ મેદાન બની ગયું,
સપનું મારું, આ રેત પર, કોઇક કંકર બની ગયું!

હતું મારું કયારેક જે, હવે અન્યની મિલકત બની ગયું,
સપનું મારું, આ હકીકત પર, કેટલું લાચાર બની ગયું!

હતું બાજી કયારેક જે, હવે કૌરવોના જુગટાનું મોહરૂં બની ગયું,
સપનું મારું, આ દ્રૌપદી પર થતો અત્યાચાર બની ગયું!

-દિપ્તી પટેલ “શમા”

Tuesday, December 16, 2008

મારું ખૂબ જ સુંદર બાળપણ

હતું મારું ખૂબ જ સુંદર બાળપણ,
એ ખોવાયુ છે, મારી જવાનીમાં,
મને આજ એ બાળપણ યાદ આવે.

એ મારું રૂડુ મજાનું ગોકુળીયુ ગામ,
જ્યાં વિતાવ્યુ છે, મારું બાળપણ
મને આજ એ ગામ યાદ આવે.

ગામની શેરીઓમાં રમતા પક્કડાપક્ક્ડી
રમવાની અનેરી મજા હતી, ગીલ્લી દંડા,
મને આજ એ શેરીઓ યાદ આવે.

લાકડી લઈને પાછળ ભાગતો હતો બાવો,
જ્યારે છુપાતાં હતાં, બાવાની ઝુપડીમાં,
મને આજ એ ઝુપડી યાદ આવે.

હિંચકતા સદા વડલાની વડવાઈ પર,
અમે બાંધીને, રૂડા વડવાઈના હિંચકા,
મને આજ એ વડલો યાદ આવે.

સાંજ પડેને ઝાલર ને ટાણે ભાગતાં,
કરવા આરતી, રામજી મંદિરે,
મને આજ એ મંદિર યાદ આવે.

યાદો છે મારા બાળપણની હજીયે,
મંદિર જેવી, મારી નિશાળમાં,
મને આજ એ નિશાળ યાદ આવે.

બાળપણ ગયું મારું ખેતરને વાડીયુમાં
તો પણ સુંદર હતું, ‘કપિલ’નુ બાળપણ,
મને આજ એ ખેતર યાદ આવે.

-કપિલ દવે

દીવાનગીની હદ સુધી

દીવાનગીની હદ સુધી મુજથી ન જવાયું
ટળવળતું રહ્યું સ્વપ્ન ફરી એક નમાયું

તુજ આત્મકથામાં થયો ઉલ્લેખ ન મારો
એક પાનું જો કે સાવ તેમાં કોરું રખાયું

કાંટા હવે ખૂંચે છે તો ઘા પણ નથી પડતા
ક્યારે તે રુઝાયું છે જે ફૂલોથી ઘવાયું

તારી સ્મૃતિ તારા જ વિચારો અહીં દાટ્યા
ને નામ કબર પર છતાં મારું જ લખાયું

ઇતિહાસ લખાયો તે ઘડી નામ કોઇનું
સગવડતાભરી રીતે ‘રઈશ’ ભૂલી જવાયું

-રઈશ મનીઆર

ફક્ત એના કાન માંહે સૂરવા

આ હૃદય-અવકાશને તેં પૂરવા આપી ગઝલ
કે પછીથી જિંદગીભર ઝૂરવા આપી ગઝલ

છેક પાતાળો લગી તણખા જ તો વહેતા હતા
એ ધરાની મધ્યમાં અંકુરવા આપી ગઝલ
આ બધાયે લોક માટે ગીત હું લખતો રહ્યો

ફક્ત એના કાન માંહે સૂરવા આપી ગઝલ

આમ તું અવતાર લે છે એ મને ન્હોતી ખબર
મન થયું ને એટલે તેં સ્ફુરવા આપી ગઝલ

જખ્મ, પીડા, દર્દને ભેગાં કરો શાયર બને
એ જ દર્દો ઘૂંટવા ચકચૂરવા આપી ગઝલ

-મુકેશ જોષી

કદાચિત જળ મળે

તું મળે એવી મને જો પળ મળે
શક્ય છે, વરસી જતું વાદળ મળે

એક ભ્રમણાનું નગર છે ચોતરફ
પહોંચવા માટે મને પણ બળ મળે

કેટલા ચહેરા ને મ્હોરાં કેટલાં
જાઉં છું જ્યાં જ્યાં, મને બસ છળ મળે

કે સગડ મળતા હજી રોમાંચના
સાચવ્યો’તો એ જૂનો કાગળ મળે

શિલ્પ રણનું કોતરે એ આશથી
ફૂટતું ઝરણું તને ખળખળ મળે

જિંદગીભર સ્વપ્નમાં ઝૂર્યાં સદા
રાત ક્યારે, શી ખબર, ઝળહળ મળે?

અંધશ્રદ્ધા હોય કે શ્રદ્ધા ‘દિલીપ’
તોડું છું પથ્થર, કદાચિત જળ મળે

-દિલીપ મોદી

તમારા માટે

ખ્વાબોમાં આવીને તને જગાડી જઇશ
દિવસે પણ તને સપના દેખાડી જઇશ

જિંદગીની કોઇ પળમાં જો ઉદાસ હોય તું
તારી એક મુસ્કાન માટે દુનિયાથી લડી જઇશ

જીવનની ગ્રીષ્મમાં પણ નાચી ઊઠીશ હરણી થૈ
ભીના શંખ-છીપલાથી તારો ખોબો ભરી જઇશ

તારા જીવનનો મારગ ભલેને હો કાંટાળો
પગ ઉપડશે એ પહેલા જ ફૂલો હું વેરી જઇશ

એકાંતની પળમાં પણ એકાંત ન લાગે માટે
આંગણની આંબાડાળે ગઝલના ટહુકા છોડી જઇશ

દાવાનળ લાગતા પછી વાર નહી લાગે “રમેશ”
તારા દિલમાં પ્રેમ ચિનગારી ભડકાવી જઇશ

-રમેશ કોશિયા

Tuesday, December 9, 2008

મૃત્યુના મૃગજળની માયા વિસ્તરી રજકણ સુધી

મૃત્યુના મૃગજળની માયા વિસ્તરી રજકણ સુધી,
સેંકડો જન્મોની છાયા જિંદગીના રણ સુધી.

વાત વિસ્તરતી ગઈ કારણની સીમાઓની બ્હાર,
બુધ્ધિ તો અટકી ગઈ પહોંચીને બસ કારણ સુધી.

બ્હાર ઘટનાઓના સૂરજની ધજા ફરકે અને,
સ્વપ્નના જંગલનું અંધારું રહે પાંપણ સુધી.

નિત્ય પલટાતા સમયમાં અન્યની તો વાત શી,
મારો ચ્હેરો સાથ ના આપે મને દર્પણ સુધી.

કાંકરી પૃથ્વીની ખૂંચે છે પગે પગ ક્યારની,
આભની સીમાઓ પૂરી થાય છે ગોફણ સુધી.

કાળનું કરવું કે ત્યાં આદિલ સમય થંભી ગયો,
જ્યાં યુગોને હાથ પકડી લઈ ગયો હું ક્ષણ સુધી.

- આદિલ મન્સૂરી

હું તો માનું છું

હું તો માનું છું કે હું છું શાયર
કિન્તુ ડાર્લિંગ કહે છે :લાયર

સ્હેજ અડતાં જ શૉક લાગે છે
લાગણી હોય છે લાઈવવાયર

અર્થનો રોડ છે ખાબડખૂબડ
ને વળીફ્લૅટ શબ્દનું ટાયર

દૂર સહેજે નહિ તો દાઝી જઈશ
ધૅટ ગર્લ ઈઝ સ્પિટિંગ ફાયર

ફાસ્ટ ફૂડ જેવી ગઝલ વેચું છું
કિન્તુ ક્યાં કોઈ છે અહીંયા બાયર?

- અદમ ટંકારવી

Monday, December 8, 2008

ચૂમી છે તને

ગીતના ઘેઘૂર ગરમાળામાં ચૂમી છે તને,
બે ગઝલની વચ્ચેના ગાળામાં ચૂમી છે તને.

પર્વતો પાછળ સવારે, ને બપોરે ઝીલમાં,
સાંજ ટાણે પંખીના માળામાં ચૂમી છે તને.

સાચું કહું તો આ ગણિત અમથું નથી પાકું,
બે ને બે હોઠોના સરવાળામાં ચૂમી છે તને.

કાળી રાતોમાં છુપાઈને ગઝલની આડમાં,
પાંચ દસ પંક્તિના અજવાળામાં ચૂમી છે તને.

લોકોએ જેમાં ન પગ મુકવાની ચેતવણી દીધી,
પગ મૂકીને એ જ કુંડાળામાં ચૂમી છે તને.

પાંપણો મીંચાય ને ઉઘડે એ પલકારો થતાં,
વાર બહુ લાગી તો વચગાળામાં ચૂમી છે તને.

-મુકુલ ચોકસી

ચાહતમાં એકબીજાની ફિકર હોવી જોઇએ

ચાહતમાં એકબીજાની ફિકર હોવી જોઇએ,
આ વાતની તને ય ખબર હોવી જોઇએ.

એક રોશની રહે છે સતત મારા પંથમાં,
મારા ઉપર તમારી નજર હોવી જોઇએ.

લાગે છે ઠોકરો ને છતાં દુઃખ થતું નથી,
બસ આ જ તારી રાહગુજર હોવી જોઇએ.

નિષ્ફળ પ્રણયનો દોષ તો દઉં હું તને મગર,
મારી ય લાગણીમાં કસર હોવી જોઇએ.

ચાલું છું એમ થાઉં છું મંઝિલથી દૂર હું,
ઊલટી દિશાની મારી સફર હોવી જોઇએ.

હટવા દો અંધકાર, એ દેખાઇ આવશે,
આ રાતમાં જ ક્યાંક સહર હોવી જોઇએ.

આ બહારનું જગત તો જૂઠાણાંનો ખેલ છે,
દુનિયા ખરી તો દિલની ભીતર હોવી જોઇએ.

‘બેફામ’ જ્યાં ચણાયો હશે એમનો મહેલ,
એની જ નીચે મારી કબર હોવી

- બેફામ

Sunday, December 7, 2008

મીંચેલી આંખે મળ્યો જ્યારે જાગરણનો અર્થ

મીંચેલી આંખે મળ્યો જ્યારે જાગરણનો અર્થ,
ત્યારે ખબર પડી કે છે શું આવરણનો અર્થ.

સંકોચ શું છે એની ખરી ત્યારે જાણ થઇ,
મૃગજળને જઇને પૂછ્યો મેં વહેતાં ઝરણનો અર્થ.

આબોહવા તો હોય છે – આબોહવાનું શું?
વાતાવરણ જો હોય તો વાતાવરણનો અર્થ ?!

છેવટનો અંત આવી ગયો સૌ પ્રયાસનો,
મારી નજીક એ જ છે મંગળાચરણનો અર્થ ?

નિષ્ઠુર છું – હું ચાહું તો તો હમણાં હસી શકું,
પણ એમાં દિલ ન લાગે તો શું આચરણનો અર્થ?

છૂટા પડી ગયા તો સમજદાર થઇ ગયા,
સમજી ગયા કે શું હતો એકીકરણનો અર્થ.

સ્વપ્નાની વાત કોઇને કહેતા નથી હવે,
સમજી ગયા છે ‘સૈફ’ હવે અવતરણનો અર્થ.

-‘સૈફ’ પાલનપુરી

જેવો છું એવો સ્વીકારો...

હું જેવો છું એવો મુજને સ્વીકારો ને!
સાચ્ચો,કડવો,તીખો છું,મુજને માણોને.

આખે આખો સારો છું એવું ક્યાં કહેતો?
થોડા-ઝાઝા દોષો સાથે અપનાવો ને!

શીશા જેવું ચોખ્ખું દિલ લઇને આવ્યો છું,
મુજ દિલમાં ડૂબી જાઓ,મુજને તારો ને!

ચાહતની સોગાદો આપે પરને વાંટી,
થોડી બસ થોડી ચાહત મુજને ફાળો ને!

શંકાની નજરે શાને મુજને જૂઓ છો,
શંકાથી પર કો'દી મુજને આણો ને!

જડ થઇ ગ્યો છું,ભૌતિકતાના દાવાનળમાં,
જડ હૈયામાં ચેતન જેવું સંચારો ને!

જય ગુર્જરી,
-ચેતન ફ્રેમવાલા

Saturday, December 6, 2008

જ્યારે પ્રણયની જગમાં શરૂઆત થઈ હશે

જ્યારે પ્રણયની જગમાં શરૂઆત થઈ હશે,
ત્યારે પ્રથમ ગઝલની રજૂઆત થઈ હશે.

પહેલા પવનમાં ક્યારે હતી આટલી મહેક,
રસ્તામાં તારી સાથે મુલાકાત થઈ હશે.

ઘૂંઘટ ખુલ્યો હશે ને ઊઘડી હશે સવાર,
ઝુલ્ફો ઢળી હશે ને પછી રાત થઈ હશે.

ઊતરી ગયા છે ફૂલના ચહેરા વસંતમાં,
તારા જ રૂપરંગ વિષે વાત થઈ હશે.

‘આદિલ’ને તે જ દિવસથી મળ્યું દર્દ દોસ્તો,
દુનિયાની જે દિવસથી શરૂઆત થઈ હશે.

-આદિલ મનસુરી

Wednesday, December 3, 2008







જ્યારે માણસ કોઇ પ્રબળ ઇચ્છાથી વિચાર કરે છે,
ત્યારે તેમાં હકારાત્મક લાગણીઓ અને માન્યતાઓ ઉમેરે છે,
ત્યારે તે વિચાર બહારની દુનિયામાં હકીકત બને છે.
-ચંદ્રકાંત જાદવ

પૈગંબરની સહી નથી

મઝહબની એટલે તો ઈમારત બળી નથી,
શયતાન એ સ્વભાવે કોઈ આદમી નથી.

તક્દીર ખુદ ખુદાએ લખી પણ ગમી નથી,
સારું થયું કે કોઈ મનુજે લખી નથી.

ત્યાં સ્વગૅ ના મળે તો મુસીબતનો પોટલો
મરવાની એટલે મેં ઉતાવળ કરી નથી.

કેવા શુકનમાં પવૅતે આપી હશે વિદાય,
નિજ ઘરથી નિકળી નદી પાછી વળી નથી.

શ્ર્ધ્ધાનો હો વિષય તો પુરાવાની શી જરૂર?
કુરાનમાં તો ક્યાંય પૈગંબરની સહી નથી.

ડુબાડી દઈ શકું છું ગળાબૂડ સ્મિત ને,
મારી કને તો અશ્રુઓની કંઈ કમી નથી.

મ્રુત્યુની ઠેસ વાગશે તો શું થશે ” જલન”,
જીવનની ઠેસની તો હજુ કળ વળી નથી.

-જલન માતરી

કરવી ના જોઇતી તી ઉતાવળ સવાલ માં

એ રીતે છવાઈ ગયા છે ખયાલમાં,
આવેશને ગણી મેં લીધો છે વહાલમાં.
તારા વચનનો કેટલો આભાર માનીએ,
વરસો કઠણ હતાં તે ગયાં આજકાલમાં.

સારું છે એની સાથે કશી ગુફ્તગુ નથી,
નિહતર હું કંઈક ભૂલ કરત બોલચાલમાં.
કરતો હતો જે પહેલાં તે પ્રસ્તાવના ગઈ,
લઈ લઉં છું એનું નામ હવે બોલચાલમાં.

લય પણ જરૂર હોય છે, મારી ગિતની સાથ,
હું છું ધ્વિનસમાન જમાનાની ચાલમાં.
મુજ પર સિતમ કરી ગયા મારી ગઝલના શેર,
વાંચીને એ રહે છે બીજાના ખયાલમાં.

એ ના કહીને સહેજમાં છૂટી ગયા ‘મરીઝ’,
કરવી ન જોઈતી’તી ઉતાવળ સવાલમાં

-મરીઝ

ક્યાં કોઇ માને છે

હવે લખવી છે ગઝલ સાંજ પહેલા,
અહિંયા કાલમાં ક્યાં કોઇ માને છે!

જીવન છે એક મોટી મુસીબત,
મુસીબત આવ્યા પહેલા ક્યાં કોઇ માને છે!

મીઠા લાગે છે દુઃખો પ્રેમમાં મળેલા,
એ પ્રેમ કર્યા પહેલા ક્યાં કોઇ માને છે !

દુઃખો હોય છે ઘણા લગ્ન પછી પણ,
અહિંયા લગ્ન પહેલા ક્યાં કોઇ માને છે !

જે મજા કરવી હોય તે કરી લો મોત પહેલા,
આ ‘કપિલ’ પુનઃજન્મમાં ક્યાં માને છે !

-કપિલ દવે